ડિમેન્શિયા  : લક્ષણો અને  નિદાન (Gujarati: Dementia: Symptoms and Diagnosis)

ડિમેન્શિયા શબ્દ તો તમે સાંભળ્યો હશે.  પણ શું આ ફકત ભુલવાની બીમારી છે કે બીજું પણ કંઈ? વ્યક્તિને ડિમેન્શિયા છે એ કઈ રીતે જાણી શકાય, નિદાન ક્યાં અને કઈ રીતે  કરાવી શકાય? શું આની કોઈ દવા છે? ડિમેન્શિયા ની  દેખભાળ કરવી કઈ રીતે?  આગામી બે ભાગના લેખમાં આ બધી બાબતો  વિષે જાણકારી અને ટિપ્સ રજુ કરશે સ્વપ્ના કિશોર (ગુજરાતી અનુવાદન સોનલ દેસાઈ કપૂર) જેમની આ વિષય ઉપર વિસ્તૃત વેબસાઈટ પણ છે. 

આ પહેલા ભાગનો વિષય છે – ડિમેન્શિયાના લક્ષણ, ડિમેન્શિયા અને સામાન્ય વૃધાવસ્થામાં ફરક, નિદાનની પ્રક્રિયા અને આ બધા વિષે પરિવારજનો માટે કેટલાક સૂઝાવ.  

ડિમેન્શિયા શું છે?

ડિમેન્શિયા એક લક્ષણોનો સમૂહ છે (સિન્ડ્રોમ) અને આ બધાજ લક્ષણ આપણા મગજની ક્ષમતાઓને લગતા છે. આને મનોભ્રંશ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ડિમેન્શિયામાં વ્યક્તિની જ્ઞાનાત્મક ક્ષમતા – એટલેકે વિચારશક્તિ, તર્કશક્તિ અને સ્મૃતિ – આ બધામાં  તકલીફ થાય છે, ક્ષમતા ઘટે છે. સામાન્ય વૃધાવસ્થામાં થતા ફેરફાર કરતા આમાં થતા ફેરફાર ઘણા વધારે હોય છે. 

ડિમેંશિયાથી પ્રભાવિત વ્યક્તિને ઘણા લક્ષણ હોય શકે છે – જેમ કે, સ્મરણશક્તિમાં તકલીફ, વિચારશક્તિ અને સમજણ ઓછી થવી, સ્થળ અને સમય વિષે ગૂંચવાડો, હિસાબ કરવામાં મુશ્કેલી, કંઈ નવું શીખી ના શકવું, ભાષામાં ગડબડ, સાદા સીધા નિર્ણયો લઇ ન શકવા વગેરે.  આ બધા પ્રભાવ સાથે ઘણાને માનસિક સ્થિતિ, ભાવનાઓનું નિયંત્રણ, બીજા સાથેનો વ્યવહાર અને ઉત્સાહમાં પણ ફરક આવે છે. આ બધાને કારણે તેમને રોજિંદા કામ કરવામાં અને પોતાને સ્વચ્છ રાખવામાં તકલીફો ઉભી થાય છે. 

ડિમેન્શિયા મગજ ને અસર કરનારા ઘણી જાતના રોગો અથવા ઇજાને પરિણામે થઇ શકે છે. જેમ કે – અલ્ઝેઇમર્સ, સ્ટ્રોક, ફ્રોન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા (frontotemporal dementia), ડિમેન્શિયા વિથ લ્યુઇ બોડીસ (dementia with lewy bodies) વગેરે. મોટાભાગના ડિમેન્શિયા પ્રગતિશીલ પ્રકારના  (progressive ) હોય છે એટલે કે  સમય સાથે હાલત વધુ ને વધુ  બગડે છે. 

ડિમેન્શિયા અને અલ્ઝેઇમર્સ માં શું સંબંધ છે?

ડિમેંશિયા (મનોભ્રંશ) લક્ષણોનો એક સમૂહ છે. આ લક્ષણો ઘણા રોગોને કારણ થઇ શકે છે, જે બધાજ માણસના મગજ ને પ્રભાવિત કરે છે. અલ્ઝેઇમર્સ એમાંથી એક મહત્વનો રોગ છે, અને ડિમેન્શિયા નો એ સહુથી વધુ સામાન્ય કારણ છે. 

લેખો અને પ્રવચનોમાં ડિમેન્શિયા અને અલ્ઝેઇમર્સ આ શબ્દોનો પ્રયોગ એક બીજાની જગ્યાએ કરવામાં આવતો હોય છે.  ડિમેન્શિયાની સંશ્થાઓના નામમાં પણ ઘણી વાર અલ્ઝેઇમર્સ શબ્દ હોય છે. આને કારણે લોકો એ જાણતા નથી કે ડિમેન્શિયા થવા માટે અલ્ઝેઇમર્સ સિવાય પણ બીજા રોગ હોઈ શકે.  

ડિમેન્શિયાના શરૂઆતના લક્ષણો કયા છે?

ડિમેંશિયાના શરૂઆતના લક્ષણોમાં સૌથી વધુ સાંભળવામાં આવે છે –  સ્મરણશક્તિની તકલીફ.  આ તકલીફ સાધારણ વયોવૃદ્ધને થતી તકલીફ કરતા જુદી હોય છે. ડિમેન્શિયામાં ટૂંકા ગાળાની સ્મરણશક્તિ (short term memory) એટલે કે હમણાજ બનેલી ઘટના યાદ ના હોવી અથવા તરતજ શીખેલી કોઈ બાબત યાદ ના આવવી. 

પણ, ડિમેન્શિયા ને ફક્ત ભૂલવાની બીમારી સમજી લઈશું તો એના બીજા લક્ષણ આપણે પારખી નહિ શકીયે. બીજા ઘણાં લક્ષણોની ઝલક ઊંધા ચતા વ્યવહારમાં દેખાઈ આવે છે. જેમ કે:

  • જાણીતા રોજના કામમાં ગડબડ થવી – જેમ કે ચા બનાવતા મૂંઝાઈ જવું.
  • ભાષાને લાગતા ફેરફાર જેમ કે વાત કરતી વખતે કોઈ શબ્દ ન યાદ આવે તો એનો કોઈ વિકલ્પ જલ્દી ન શોધી શકવો, અથવા કઈ ભળતાજ શબ્દનો પ્રયોગ કરવો. 
  • સમય અને શ્થળ ન સમજી શકવા – પરિચિત જગ્યાએ ખોવાઈ જવું, દિવસ અને રાતનો સમય ઓળખવો નહિ.
  • વસ્તુઓ કોઈ વિચિત્ર રીતે કે વિચિત્ર જગ્યા પર મુકવી – ઉદાહરણ તરીકે ઘડિયાળ ફ્રિજમાં મૂકવું, ચપ્પુ કબાટમાં મૂકવું વગેરે.
  • અનુચિત નિર્ણય લેવા જેમ કે ખૂબ ગરમી હોય છતાં પણ ગરમ કપડા પહેરવા. 
  • વાતચીતમાં કે tvમાં ધ્યાન ના આપવું, કશે જવું હોય તો યોજના ન બનાવી શકે, નાની મુશ્કેલીનો પણ ઉકેલ ન શોધી શકવો. 
  • હિસાબ ન કરી શકવો, આંકડાઓ જે પેહલા સમજાતા હતા, તે ન સમજાવા, બિલ ભરવાનું ભૂલી જવું અથવા ફરી ભરવું. 
  • મૂડ કે વ્યવહારમાં બદલાવ – મૂડમાં કારણ વગર ઉતાર ચઢાવ આવવા,  પેહલા કરતા લોકો સાથે ઓછું મળવું. 
  • દૃષ્ટિને લગતી સમસ્યાઓ – ચિત્ર ઓળખવામાં કે સમજવામાં તકલીફ,  વસ્તુ પાસે કે દૂર, ઊંડી  છે તે ના સમજી શકવું, રંગ અને કોન્ટ્રાસ્ટની સમજ  ઓછી થવી, વાચવાંમાં તકલીફ. 
  • કામ અને સામાજિક કાર્યોથી પીછેહઠ  – કલાકો સુધી કઈ કર્યા વગર tv ની સામે બેસી રેહવું, પેહલા કરતા ઘણું વધુ સૂવું, જુના શોખમાં રુચિ ન બતાવવી. 

શું ડિમેન્શિયામાં બધી વ્યક્તિને આ બધાજ લક્ષણ થાય છે?

ના, એ જરૂરી નથી કે દરેક વ્યક્તિને બધાજ લક્ષણ હોય. 

આ લક્ષણો મગજની ક્ષતિને કારણે થાય છે. કઈ વ્યક્તિની કયા અને કેટલા ગંભીર લક્ષણો દેખાય છે એ વાત તેને મગજમાં કયા ભાગમાં અને કેટલી ક્ષતિ છે, તેના પાર નિર્ભર કરે છે. 

જેમ કે અલ્ઝેઇમર્સ રોગ હોય તો શરૂઆતમાં સ્મરણશક્તિની તકલીફ પેદા થાય છે પણ બીજી કોઈ જાતના ડિમેન્શિયામાં અલગ લક્ષણો જેમ કે હિસાબમાં ગડબડ, ભાષામાં તકલીફ કે પછી ભ્રમ થવો. 

જોકે, મોટા ભાગના ડેમેન્શિયામાં લક્ષણો પહેલા હલકા હોય છે અને સમય જતા વધી જાય છે અને બીજા લક્ષણો પણ જણાવા લાગે છે, અને ઘણી બાબતોમાં એમની ક્ષમતા ઘટી જાય છે. 

ઘણા લોકો માને છે કે વૃધાવસ્થામાં આવું થાયજ છે.  આપણે એ કેવી રીતે જાણી શકીયે કે જે થઇ રહયું છે એ સામાન્ય વૃધાવસ્થા છે કે ડિમેન્શિયા?

ડિમેન્શિયા અને સામાન્ય વૃધાવસ્થામાં ફરક ના કરી શકવો એવું સામાન્ય રીતે બને છે – એનું એક કારણ એ છે કે શરૂઆતમાં ડિમેન્શિયાના લક્ષણો સામાન્ય વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ જેવી હોય છે.   મોટા ભાગની વ્યક્તિઓમાં આ લક્ષણ એટલા ધીમે વધે છે કે તેમને વૃધાવસ્થા ગણીને અવગણવામાં આવે છે. પણ ડિમેન્શિયા વૃદ્ધાવસ્થાનો  સામાન્ય ભાગ  નથી. ડિમેન્શિયા વિષે વધુ જાણકારી હોય તો લક્ષણો પ્રતિ સતર્ક રહેવું શક્ય છે. 

આશા છે કે જાગૃકતા અભિયાનોથી વૃધાવસ્થાઅને ડિમેન્શિયાના ફરક પર વધુ લોકોમાં જ્ઞાન ફેલાશે.  હિતાવહ છે કે વ્યક્તિમાં થયેલો બદલાવ કંઈક  જુદો લાગે અથવા રોજના કાર્યક્રમમાં તકલીફ થવા લાગે તો ડોક્ટરને પૂછી લેવું ઠીક રહેશે. 

પણ લક્ષણો ની સૂચિના આધાર પર, પ્રિયજનને ડિમેન્શિયા છે, એવો શક હોવા છતાં ઘણા ડોક્ટરની સલાહ લેતા કતરાય છે.  એમને લાગે છે કે ડિમેન્શિયાનો કોઈ ઈલાજ નથી. એ માની લે છે કે આ તો ડિમેન્શિયા જ છે અને આને તો આપણે ઘર પર જ સંભાળવું પડશે – તો બેકારમાં હોસ્પિટલ, ડૉક્ટર અને ટેસ્ટની જંજટ કરવી શું કામ?

શું ડૉક્ટર પાસેથી નિદાન કરાવું જરૂરી છે?

હા, ડૉક્ટર પાસે નિદાન કરાવવું આવશ્યક છે. લક્ષણો હોય તો કૃપા કરી એમ ન વિચારી લો કે ડિમેન્શિયા છે એ તો જણાય છે, પછી નિદાનથી શું ફાયદો. આવા લઢણથી ઘણું નુકસાન થઇ શકે છે – કારણ કે  લક્ષણ કોઈ બીજા કારણથી પણ હોઈ શકે છે. એ તો ડોક્ટરજ જાંચ કરી શકશે કે લક્ષણોનું કારણ શું છે અને કયો ઈલાજ કરી શકાય છે. 

એ પણ બની શકે છે કે લક્ષણો કોઈ એવા રોગને લીધે છે કે જેનો ઈલાજ શક્ય છે – જેમ કે થાઇરોઇડ હોર્મોંન ઓછું હોવું, વિટામિન બી -12 ઓછું, ડિપ્રેશન વગેરે. નિદાન વગર ઈલાજ નહીં થાય અને વ્યક્તિ અને કુટુંબીજનો અમસ્તાજ તકલીફ સહયા કરશે. 

જો ડિમેન્શિયા એવા રોગને લીધે હશે કે જેને કારણે મગજમાં થયેલી ક્ષતિઓને ઠીક ન કરી શકાય (જેમ કે અલ્ઝેઇમર્સ) – તો પણ ઈલાજના કંઈક  વિકલ્પ છે કે જે કેટલાક લોકોના લક્ષણોને હળવા બનાવી શકે છે. દવા બધાને અસર નથી કરી શક્તિ, પણ જેને કરી શકે છે, તેની જીવનની ગુંણવતા સુધરે છે. નિદાનનો એક ફાયદો એ પણ છે કે વ્યક્તિ અને પરિવારજનો ભવિષ્યની યોજના  બનાવી શકે છે. ડિમેન્શિયાનો કાળ  લાંબો ચાલે છે. તેના પ્રબંધ માટે પરિવાર અને વ્યક્તિ સાથે નિર્યણ લઇ શકે છે. એ જરૂરી જાણકારી અને દેખભાળ વિષે શોધખોળ શરુ કરી શકે છે. તેઓ વિચારી શકે છે કે દેખભાળનું કામ અને ખર્ચનો પોતાની વચ્ચે કેવી રીતે ભાગ પડી શકે છે.  આ પ્રકારની ચર્ચા-વિચારણા જેટલી જલ્દી શરુ થઇ શકે તે સારું છે, કારણ અમુક સમય પછી વ્યક્તિ આ બાબત પર પોતે વિચાર કરવાંમાં કે જણાવવાની હાલતમાં ન હોઈ શકે. અને તકલીફો વધ્યા પછી આ નિર્ણયો  પરિવાર માટે વધુ અઘરા બની શકે છે. 

નિદાન માટે ક્યાં જવું જોઈએ?

એ ઉચિત રહેશે કે નિદાન આ બાબતના વિશેષજ્ઞ પાસે કરાવામાં આવે. ડિમેન્શિયાને લાગતા અનુભવવાળા neurologist  (નૂરોલોજિસ્ટ), psychiatrist  (સાઇકિયાટ્રિસ્ટ ) અથવા geriatrician (જીરાટ્રીશ્યન ) ને મળવું. આ પેહલા તમે  તમારા family ડૉક્ટર ને પણ મળી શકો છો. 

ડોક્ટરને મળવા માટે  કઈ માહિતી એકત્રિત કરવી જોઈએ?

વ્યક્તિનો મેડિકલ ડેટા એકત્રિત કરો : આમાં સમાવેશ થાય છે આખી મેડિકલ હિસ્ટરી – વ્યક્તિને કઈ કઈ બીમારી છે અથવા હતી, શું કોઈ સરજરી થઇ હતી, ક્યારેક હોસ્પિટલમાં ભરતી હતા, એમના જુના અને નવા ટેસ્ટ રિપોર્ટ્સ, અને તેઓ કઈ દવા અને સ્પ્પ્લીમેન્ટ્સ લઇ રહયા છે. આવી બધીજ જૂની અને હમણાંની બાબતોને લખી લો, કે જેથી વ્યક્તિની તબિયત ઉપર અસર થઇ શકે છે. જો ધુમ્રપાન કે શરાબ-સેવન કરતા હોય તો તે પણ નોટ કરો.  

લક્ષણો વિષે નોંધ લખો : નોટ કરો કે વ્યક્તિને કયા લક્ષણ છે, એના ઉદાહરણો અને એને લીધે તેમને શું તકલીફ પડે છે તે પણ. વ્યવહાર માં બદલાવ પણ નોટ કરો. લક્ષણોના સમયગાળા પાર ખાસ ધ્યાન આપો – એટલેકે ક્યારથી છે અને સમય સાથે કેટલા વધ્યા કે બદલાય છે તે પણ નોટ કરો. 

જુદા રહેતા દીકરા-દીકરી કદાચ વયસ્કના રોજિંદા લક્ષણો અને સમસ્યાઓને વિસ્તારથી નથી જાણતા હોતા. આવું હોય તો, માં- બાપને ડૉક્ટર પાસે લઇ જતા પેહલા એમણે બીજા પાસેથી જાણકારી મેળવવી જરૂરી છે, જે વડીલના વધુ સંપર્કમાં હોય, અથવા, માંની તકલીફ વિષે પિતા પાસેથી કે પિતાની તકલીફ વિષે માં પાસેથી. 

જો પ્રિયજનને લાગે છે કે એમની કોઈ સમસ્યા નથી, તો પરિવાર ડોક્ટરની સલાહ કેવી રીતે લે?

એવું ઘણી વાર બને છે કે વ્યક્તિ ડૉક્ટરને મળવા રાજી ન હોય અથવા જ્યારે પરિવાર અને તેઓ ડોક્ટરને મળે ત્યારે તેમનો દ્રષ્ટિકોણ પરિવારથી સાવ જુદો હોય. વ્યક્તિની મગજને સંબંધીત  તકલીફોનું વર્ણન  તેમની સામે કરવાથી તે દુઃખ પામી શકે અથવા શરમાઈ  શકે અથવા ગુસ્સે પણ ભરાઈ શકે છે.  ડોક્ટરનું ક્લિનિક ઝઘડો થવાનું કારણ કે જગ્યા બની શકે છે. 

આવી સ્થિતિથી બચવા માટે પરિવારજન ડોક્ટરને સ્વતંત્ર રીતે મળીને પોતાનો દ્રષ્ટિકોણ જણાવી શકે છે. તેઓ પોતાની રીતે શાંતિથી વ્યવહારમાં ફરક અને બીજી સમસ્યાઓની વાત કરી શકે છે. 

છતાં પણ, વ્યક્તિએ પણ ડોક્ટરને મળવું પડશે જેથી કરીને ડૉક્ટર પણ સ્વતંત્ર રીતે એમની ક્ષમતાઓનું માપ કાઢી શકે.  સાચા નિદાન માટે એ જરૂરી છે કે ડૉક્ટર તમારા સિવાય એકલા વ્યક્તિની સાથે લંબાણથી વાત કરે.

બધ્ધા સાથે વાત કરીને અને જરૂરી ટેસ્ટ કર્યા પછીજ ડોક્ટર નિદાન અને ઉપચાર વિષે જણાવશે. 

નિદાન મળ્યા પછી પરિવારે શું કરવું જોઈએ?

સૌથી પહેલા તો નિદાન અને દવાઓ વિષે અને એ સિવાય પણ જે પ્રશ્ન હોય તે જરૂરથી પૂછી લો. 

નિદાન એક સંઘર્ષમય યાત્રાનું પહેલું પગલું છે. નિદાન પછી શરુ થાય છે ડિમેન્શિયાને સમજવાનો અને એના ઉપચાર અને દેખભાળ  નો લાંબો સિલસિલો.  આ માટે પરિવારને જાણકારીની જરૂરિયાત પડશે. એમને યોજના બનાવવી પડશે અને ધીરે ધીરે ઘણા બદલાવ લાવવા પડશે. એમને ઉચિત સેવાઓ અને સમર્થનની જરૂરત પડશે. 

જાણકારી અને સહાયતાની શોધ સહેલી નથી. આ માટે ડોક્ટરને જરૂર પુછો, કદાચ કંઈ  માર્ગદર્શન મળે. 

અમુક વખત પછી ફરી મળવાનું પણ કહી શકે જે કરવું જરૂરી છે જેથી ઉપચાર ની અસર જણાવી શકાય અને રોગના વધવા મુજબ દવાઓ બદલી શકાય. 

આદર્શ તો એજ રહેશે કે એમને ડૉક્ટર પાસેથી બધી જાણકારી મળે અને એવા સંસાધનો અને સંસ્થાઓ વિશે પણ જાણવા મળે કે જે આ લાંબી સફરમાં દરેક પડાવે સ્થિતિ પ્રમાણે  પરિવારને મદદ કરી શકે. પણ વાસ્તવિકતામાં આવું ઓછું થાય છે. 

ડિમેન્શિયાના લક્ષણો અને નિદાન ઉપર ગુજરાતીમાં વધુ જાણકારી ક્યાં મળી શકે છે?

જો આપ ડૉક્ટર, બીજા સ્વાસ્થ્ય કર્મચારી અથવા સ્વયંસેવકને મળો છો, તો એમને અનુરોધ કરો કે એઓ તમારી સાથે ગુજરાતીમાં વાત કરે. કદાચ એમની પાસે ગુજરાતી / હિન્દીમાં કોઈક પત્રિકા પણ હોઈ શકે. 

સ્વપ્ના કિશોરજીએ  હિન્દીમાં  dementiahindi.com  સાંઠ  જેટલા pages ની વેબસાઇટ બનાવી છે, જ્યાં તમને ડિમેન્શિયા વિષે વિસ્તૃત જાણકારી મળી શકે છે. ઈન્ટરનેટ વાપરીને ગુજરાતી/હિન્દીમાં જાણકારી અને સહાયક સેવાઓ શોધવા વધુ ચર્ચા આ લેખનાજ બીજા ભાગમાં છે. 

The original Hindi article, डिमेंशिया के लक्षण और निदान: डिमेंशिया पर जानकारी, भाग 1, is  © Swapna Kishore; it was published on PatientsEngage.com Opens in new window , and is translated above by Sonal Desai Kapur with permission. The translated article is the joint copyright of Swapna Kishore (Sites: dementiacarenotes.in and dementiahindi.com, email: cyber.swapnakishore@gmail.com) and Sonal Desai Kapur (founder doosrabachpan.com, email: sonaleedesai@gmail.com).

Dementia Care Notes